priyadarshan - Ghazals | RekhtaGujarati

આજ ઝાંખી થઈ કાંઈ યારની છે હરી હરી;

અતિ આંખડી જાદુગારિયે છે હરી હરી.

નિર્મળ તને પરિમલ બહેકી ઊડે ગગન;

ખુશબો ઇરમ ગુલઝારની છે હરી હરી.

મદિરા થકી મદમસ્ત મ્હાલતી માનની;

કરમાં સુરાહી શરાબની છે ધરી ધરી.

ચંદ્રચાલ પર કુરબાન ચારુ ચકોરવત્;

પ્યારીને પદેપદ મેં ગતિ છે કરી કરી.

અહા! માન મૂકી ગુમાનીએ મીઠી આંખથી;

દિલમાં કંઈ ફરિયાદ મારી ધરી ધરી.

શતકોટિ ઉજ્જવલ ચંદ્રશે ગોરે હાથથી;

ભરી પ્યાલી મસ્ત કલાલીએ રે ધરી ધરી.

અહાહા! પડી પરછાંહી ગોરી હથેળીમાં;

કોટિ સ્વર્ગની ઝલકાઈ આંખ ઠરી ઠરી.

કંઈ કરોડ ખાલી કરી દુકાન શરાબીની;

સૂધ પ્યારીની એક પ્યાલીએ છે હરી હરી.

કોણ નિંદશે મદિરા મહારા મસ્તને;

મઝા કાંઈ જેણે લગાર એની કરી કરી.

મુજને કહે છે સજન શિખામણ મસ્તીની;

મુજ પંથમાં ગતિ મસ્તની છે ખરી ખરી.

ચંદ્ર ઊગતે અવધિ કરી મળવા તણી;

કયારે ચંદ્ર તેહ ઉગાડશે રે હરી હરી?

ખુશ અવાજ કરતું શિરે માહરે ઊડે હુમા;

આજની નિશા પ્રિયા સંગ નક્કી ઠરી ઠરી.

આજની નિશા હરિ જે કરે કે ખૂટે નહીં;

ત્રિજગત ચઢાવું આંખડી મેં ધરી ધરી.

રહું હું નિરંતર રંગ પ્યારીની સંગમાં;

નીરખું નયનભર મૂર્તિ મોક્ષ ભરી ભરી.

કવિતા કરી કહી બાલે તાનથી પ્યારીએ;

ખુશ થઈ શીતળ ગોરી બાંહ કંઠ ધરી ધરી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942