ujjwal nisasa - Ghazals | RekhtaGujarati

ઉજ્જવળ નિસાસા

ujjwal nisasa

સાબિર વટવા સાબિર વટવા
ઉજ્જવળ નિસાસા
સાબિર વટવા

ઉષા આશ લઈને ફરી આવી પૂગી,

ફરી ખાય છે સમય ધમપછાડા;

ફરી પ્રાણ લેવાને ઉત્સુક થયા છે,

પ્રકૃતિના રંગીન કૈં ચેનચાળા.

ક્ષિતિજ પર વહેતા રુધિરની છે લહેરો,

જગત-છાવણી પર શું વીત્યું નિશાએ;

ઊઘડતા મળસ્કે સમાચાર દીધા,

કંઈકનાં સુખદ એવાં સ્વપ્નો ઘવાયાં.

મનોરંજને પ્રેમના હો ઊણપ,

જીવનભર વિપત્તિઓ પર હાસ્ય કીધું;

સદા વિશ્વને મોજ આપી ને લીધી,

સ્વયં ગાલ ઉપર લગાવી તમાચા.

જીવનના અભિનયને જે કામ આવી,

કરુણાને આપી તેં રંગીન વાચા,

બધા પાનખરના પ્રસંગોમાં પૂરી,

મધુરી-મધુરી બહારોની આશા.

હૃદયની સુકોમળ તમન્નાને સદકે,

કળીઓ ઇચ્છી સદા કંટકોથી;

અમે પ્રાણ આપ્યા અને જાળવી છે,

જીવનબાગ! તારી સનાતન પ્રતિષ્ઠા.

જગતની સુષુપ્તિને ચેતાવી દેજો,

હવે બીજ માની આનંદે ‘સાબિર';

અરે મોજમાં આવીને તરફડે છે,

તિમિર વચ્ચે માનવના ઉજ્જવળ નિસાસા.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4