salge chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સળગે છે

salge chhe

અમીન આઝાદ અમીન આઝાદ
સળગે છે
અમીન આઝાદ

કોઈના પ્રેમની અંતરમાં આગ સળગે છે,

જીવનના બાગમાં જાણે પરાગ સળગે છે.

જવાનીમાં હૃદય પર પડી ગઈ વીજળી,

ખરી વસંતમાં જીવનનો બાગ સળગે છે.

તમારી દૃષ્ટિની ચિનગારીઓ ખુદાની પનાહ,

જરા જુઓ છો ને દિલ આગ આગ સળગે છે.

હજી તમારી દયાનો બનાવ છે તાજો,

ભલે ને ઘાવ રૂઝાયા છે દાગ સળગે છે.

છે વેદનાઓ ભરી દિલની ધૂપદાનીમાં,

બુઝાવવી નથી પ્રીતિ પરાગ સળગે છે.

વિરહની રાતના અંધકારમાં પ્રકાશ રહ્યો,

તમારી યાદના પળપળ ચિરાગ સળગે છે.

વસંત ઊજવો અમારા હૃદયની હોળીથી,

તમારા હાસ્યને માટે તો આગ સળગે છે.

જલી રહ્યા છે ઉમંગો હૃદયની મહેફિલમાં,

ભવન સજાવ્યું છે, લાખો ચિરાગ સળગે છે.

હૃદયની લાશ પ્રણયની ચિતા ઉપર છે ‘અમીન’,

રડી રહી છે તમન્ના સુહાગ સળગે છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4