ટુકડામાં!
tukdaamaan!
નઝર તુરાવા
Najhar Turava

પછી શોધ્યો નહિ જડશે કોઈ માનવ આ દુનિયામાં,
અમે મરતાં રહ્યા જો આમ આશામાં ને આશામાં.
નીરખવા રૂપને સૌંદર્યમય હોવું ઘટે તેથી,
જુએ છે સૌ તમારી આંખના સુંદર અરીસામાં!
પ્રતીક્ષા મહેલમાં કે ઝૂંપડીમાં એકસરખી છે,
વિરહ–રાતો મૂકી દે છે બધાને એક કક્ષામાં!
કરો આનંદની વાતો ચમનની બા’૨ બેસીને,
નથી રાખ્યું અમે કંઈ પણ ખિઝાં માટે બગીચામાં!
ધરા ઓછી પડી તેથી ઊડ્યો છું આજ આકાશે,
ખબર એ પણ હવે ક્યાં છે, ગગનમાં છું કે દુનિયામાં!
હૃદય તોડી જમાનાએ બહુ ઉપકાર કીધો છે,
હવે ક્યાં છે ફરક કંઈ પણ જુઓ મુજમાં ફરિશ્તામાં!
પ્રણય માગે, ફરજ માગે, ધરા માગે, ગગન માગે,
કહો કોને કરું રાજી હૃદયના એક ટુકડામાં!
હૃદય સરસી જુઓ ચાંપી લીધી આજે ‘નઝર’ એને,
ગઝલને મેં ગણી લીધી જીવનસાથીની ગણનામાં.



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 121)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ