prnay patro - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાં પધારી રહ્યાં છે? મેં પુકાર્યાં તો નથી,

ખુદ-બ-ખુદ માની ગયાં છે, મેં મનાવ્યાં તો નથી.

કાં તરંગોમાં ઉમંગો હું નિહાળું છું ભલા?

સાગરે કોઈ ઉમંગીને ડુબાવ્યા તો નથી!

દ્વાર પર આવીને મારે છે ટકોરો કોઈ,

અંધ કિસ્મત, તું જરા જો પધાર્યા તો નથી?

ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,

એમણે મારા પ્રણય-પત્રો જલાવ્યા તો નથી?

કેદ લાગે છે જીવન એણે નજર કીધા પછી,

એમણે અમને જિગરમાંહે વસાવ્યા તો નથી?

ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,

અમને દિલબર! તમે સપનામાં રડાવ્યા તો નથી?

કેમ ખારાશ છે આવી સમંદરના જલે?

આંખ! બે આંસુ કિનારે તેં વહાવ્યાં તો નથી?

યાદ કાં આવે નહીં મુજને મિલન કેરી મજા?

પ્રસંગો તમે પાલવ તળે ઢાંક્યા તો નથી?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4