pratyek thokarman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રત્યેક ઠોકરમાં

pratyek thokarman

જયંત શેઠ જયંત શેઠ
પ્રત્યેક ઠોકરમાં
જયંત શેઠ

હવે જીવ! રહેવા દે ફરી ફરવાનું ચક્કરમાં,

રઝળવાથી નથી દાખલ થવાતું એમના ઘરમાં.

નથી મારા જીવતરમાં, છતાં છે મારા અંતરમાં,

ગયા જો એક ઘરમાંથી તો આવ્યા બીજા ઘરમાં.

દિલાસાની જરૂરત છે મને પ્રત્યેક ઠોકરમાં,

પ્રભુ થોડીઘણી વાચા મૂકી દે સર્વ પથ્થરમાં.

બચાવીને રહો નહિ જાતને, જગના અનુભવથી,

પ્રહારો જરૂરી છે, જીવનના શિલ્પ-ઘડતરમાં.

આવ્યા આપ તો ઉત્સાહ ઓસરતો ગયો નિશદિન,

નદી આવી નહીં તો રોજ આવી ઓટ સાગરમાં.

ખબર ન્હોતી કે સપનું રાતનું સાચું પડી જાશે,

ઉઘાડી આંખ જોયું તો, ઊભા'તા આપ ઉંબરમાં.

તમારાં સ્વપ્ન મેં જાગ્રત અવસ્થામાંય જોયાં છે,

વીત્યું આખું જીવન મારું પ્રણયની ગાઢ નિંદરમાં.

ખીલવવા ફૂલ આશાનાં કરું છું લોહીનું પાણી,

નથી ફૂલ એવાં જે ખીલે ઝાકળની ઝરમરમાં.

જીવન મારું ટૂંકાવો ના તમે મારી ખબર પૂછી,

ઘણાયે શ્વાસ ઓછા થઈ ગયા છે એના ઉત્તરમાં.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4