નહીં આવો?
nahin aavo?
કિશોર જીકાદરા
Kishore Jikadara

તમે આજે, તમે કાલે, તમે પરમેય નહીં આવો?
કહો અશ્રુ ભરેલી આંખની શરમેય નહીં આવો?
તમે શેરી, તમે આંગણ, તમે આ ખોરડે ક્યાંથી?
કબૂલમંજૂર છે અમને, બધી શરતેય નહીં આવો?
સવારે પણ, બપોરે પણ અને રાતેય ખુલ્લાં છે,
તમે ક્યારેય શું આ દ્વારની પડખેય નહીં આવો?
અરે આવ્યાં, ખરે આવ્યાં, ભલે આવ્યાં, રટું છું હું,
કદી સાચા, કદી ખોટા, તમે અરથેય નહીં આવો?
વચન લીધાં, વચન દીધાં, વધારે શું કહું તમને?
તમે બાંધી મુઠ્ઠીના ભેદ કે ભરમેય નહીં આવો?
ગયા દિવસો, ગયા માસો, ગયાં વરસો પ્રતીક્ષામાં,
કહું ક્યાં અબઘડી, ઝાઝા તમે અરસેય નહીં આવો?
અમારી વાત છેલ્લી આ, કદાચિત્ ના ગમે તમને,
બધી મારી, તમારી એક પણ ગરજેય નહીં આવો?



સ્રોત
- પુસ્તક : પાંપણ વચ્ચે (પૃષ્ઠ ક્રમાંક 21)
- સર્જક : કિશોર જીકાદરા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2019