રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજનારી રાત્રિ, જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે, ‘ન મારા દિલને કરાર આવે’.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે!
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે, વિચાર આવે.
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે 'શયદા' ઉંબરમાં આવી, ન જાય ઘરમાં- ન બહાર આવે.
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1961