રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
ગઝલ તો ગઝલ છે!
ghazal to ghazal chhe!
જિત ચુડાસમા
Jit Chudasama
વખોડો, વખાણો, પ્રમાણો,પ્રસારો, ગઝલ તો ગઝલ છે!
પ્રથમ આંખો ઉપરથી ચશ્મા ઉતારો, ગઝલ તો ગઝલ છે!
પીડાનેય ઘૂંટીને ચંદન બનાવે ને આંસુને અગ્નિ;
શરત એટલી કે પ્રથમ હો ઇશારો, ગઝલ તો ગઝલ છે!
હથેળીમાં લોબાન સળગાવી કરવી પડે છે પ્રતીક્ષા;
નથી કાંઈ બે-ચાર પળનો ધખારો, ગઝલ તો ગઝલ છે!
ન અંદર કશું હો ન બ્હારે, બધે શૂન્યતા હોય કેવળ;
અચાનક એ લઈને ઊઠે એકતારો, ગઝલ તો ગઝલ છે!
મળો, બાથમાં લો, ભીંસો; એય પાછા વિવેચક બનીને?
તમારી આ મળવાની આદત સુધારો, ગઝલ તો ગઝલ છે!
સભા તો સભા છે, ચડાવી દે માથે ને નીચેય પાડે;
બધું એક ખૂણામાં જઈને ઉતારો, ગઝલ તો ગઝલ છે!
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ