રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
બિરદાવવી ભારે પડી
birdavvi bhare padi
સાકિન કેશવાણી
Sakin Keshwani
ભગ્ન તારી પ્રીતને શણગારવી ભારે પડી,
તુજ પ્રતિમાને ફરી કંડારવી ભારે પડી.
રંજ એનો છે, તમારો પણ પરાજય થઈ ગયો;
પ્રેમની બાજી અમારે હારવી ભારે પડી.
રીસમાં ને રીસમાં મુખ ફેરવી બેઠા તમે,
ચાંદનીને મારે નિત બિરદાવવી ભારે પડી.
મેઘ મલ્હારે થયો ખુશ, ફૂલ મલક્યાં ઝાકળે;
એક તારી હસ્તીને રિઝાવવી ભારે પડી.
ધ્યેય ભૂલી ઝૂંપડી પર ત્રાટકી, બદનામ થઈ;
ઘનઘટાને વીજળી ચમકાવવી ભારે પડી.
જ્યોત પર કૂદ્યાં પતંગાં, આગ થઈ અળખામણી;
રોશની કાજે શમા પ્રગટાવવી ભારે પડી.
રાતદિન તારી પ્રતીક્ષામાં નયન બળતાં રહ્યાં,
મીટ આશા પર અમારે માંડવી ભારે પડી.
નિત્ય સુંદર માની છે હર ચીજને ‘સાકિન!’ અમે,
કોઈને અમ આંખડી તરસાવવી ભારે પડી!
સ્રોત
- પુસ્તક : આરોહણ (પૃષ્ઠ ક્રમાંક 52)
- સર્જક : સાકિન કેશવાણી
- પ્રકાશક : મહંમદહુસેન હબીબભાઈ કેશવાણી
- વર્ષ : 1963
- આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)