warsonan waras lage - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વરસોનાં વરસ લાગે

warsonan waras lage

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
વરસોનાં વરસ લાગે
મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કહો તો બધાં પ્રતિબિંબ હું હમણાં ભૂંસી દઉં

અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

કમળ-તંતુ સમા મૌનને તું તોડ મા નાહક

ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં ઓગળશે

હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 267)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004