prathamthi ja riwaj chhe - Ghazals | RekhtaGujarati

પ્રથમથી જ રિવાજ છે

prathamthi ja riwaj chhe

જલન માતરી જલન માતરી
પ્રથમથી જ રિવાજ છે
જલન માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આ જ છે,

સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ ન કરું તો કરું કે શું?

અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,

એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?

દુનિયાના લોક હાથ પગ ના મૂકવા દિયે,

ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,

મસ્જિદમાં આખ આ ‘જલન'ની નમાઝ છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 392)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004