thokarni sathe nam tuj leway chhe ishwar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર

thokarni sathe nam tuj leway chhe ishwar

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર
સૌમ્ય જોશી

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,

તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,

કોશિશ જ્યાં પતે ત્યાં શરૂ થાય છે ઈશ્વર.

જા દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,

લાગે છે તને દૂરનાં ચશ્માં છે ઈશ્વર.

કે' છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,

તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર.

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શેર,

લાવ્યો છું જૂદી પ્રાર્થના સંભળાય છે ઈશ્વર?

એનામાં હું માનતો થઈ જાઉં છું ત્યારે,

મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006