saphlta jindgini - Ghazals | RekhtaGujarati

સફ્ળતા જિંદગીની

saphlta jindgini

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
સફ્ળતા જિંદગીની
બરકત વીરાણી 'બેફામ'

સફ્ળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,

પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.

મને દીવાનગી મંજૂર છે એક બાબત પર,

મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,

કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,

અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું?

કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.

શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,

છે એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.

ધરાવે છે બધા મારા પ્રત્યે સંકુચિત માનસ,

જગા મારે માટે જાણે દુનિયામાં નથી હોતી.

કોઈ વાતને સંજોગનો સ્વીકાર ના માને,

જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

મને છે આટલો સંતોષ દુનિયાની બૂરાઈનો,

વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,

કે મંજિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,

ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?

કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.

ગઝલમાં કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’,

પીડા મારાં દુઃખોની કોઈ બીજામાં નથી હોતી.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 407)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007