pahela - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પહેલાં

pahela

સગીર સગીર
પહેલાં
સગીર

ઊગ્યાં'તાં સુમન પહેલાં, ખીલ્યું'તું ચમન પહેલાં,

પ્રફુલ્લિત ક્યાં હતું વિણ પ્રેમ મુજ વેરાન મન પહેલાં!

ખુશી કો' આવવાની હોય છે જો મારા જીવનમાં,

મજા લેવા ખુશીની હું કરી લઉં છું રુદન પહેલાં..

બધા એવા નમન કરનારમાં નરમી નથી હોતી,

હસીને જે કરે છે સર્વને મળતાં નમન પહેલાં.

કદમ મારાં ઊપડ્યાં છે હવે તો મોત કે મંજિલ,

રહ્યું જોવું કે થાયે છે કોનું આગમન પહેલાં!

મરણ પણ જિંદગી થૈને રહે તારું જગતભરમાં,

મરણ શોભાવવા માટે બનાવી લે જીવન પહેલાં.

અરે! જિંદગી, જગ ને સંજોગ, શું કહીએ?

હતો આઝાદ હું નિજ આત્મ ને દેહના મિલન પહેલાં.

સમૂહગત જો કરી દેવા ચહે તું જિંદગીને તો—

સજાવી લે ગુણોથી તુજ હૃદયની અંજુમન પહેલાં.

દુનિયાનાં પાપો છે અને એથી દુનિયાનું,

નથી એવું હવે, જેવું હતું હસતું વદન પહેલાં.

ખાતે ઠોકરો ઇચ્છા તણી તું આમ, દિલ મારા!

ટકાવી ઉન્નતિ તેં હોત જો તારી, પતન પહેલાં.

નિયમ છે રાત પાછળ દિન, નિયમ છે શોક પાછળ હર્ષ,

યદિ તું ચાહે છે હસવું તો કર અશ્રુવહન પહેલાં.

યુવાની આવતાં આવી હજારો રંગની ઇચ્છા,

નહીં ખીલી હતી એવી હૃદયની અંજુમન પહેલાં.

ડર એના થકી દિલ તું, કસોટી કાજ તુજ પર,

દયા દેખાડવા માટે કરી લે છે દમન પહેલાં.

જનારો કદી પણ કષ્ટથી પાછળ નથી પડતો,

અમલ કરવાની પહેલાં જે કરી લે છે મનન પહેલાં.

ફરે છે કાળનાં ચક્રો અને ક્રાંતિ થતી રે' છે,

બને છે ગુલશનો જ્યાં કોઈ દિ' હોયે છે વન પહેલાં.

સમજતાં'તાં મનુષ્યોને મનુષ્યો, મનુષ્યો તો,

થયાં શું વિશ્વજન હમણાં, હતાં શું વિશ્વજન પહેલાં!

થયું તેનું નથી દુઃખ, હું રડું છું માણસાઈ પર,

હતું ફરવું તો એને દેવું'તું વચન પહેલાં.

તૃષા સાગરથી છિપાતી નથી મારી હવે, સાકી!

બહુ સારું થતે, કરતે નહીં જો આચમન પહેલાં!

કળી જોકે હસે છે, પણ કળા હસવા તણી ક્યાં છે!

નિહાળી લેત હસવા આપનું હસતું વદન પહેલાં.

'સગીર' એના દિલાસામાં છુપાઈ છે અદાવત પણ,

મને ઘાવ કરવાને દિયે છે સાંત્વન પહેલાં.

રસપ્રદ તથ્યો

અંજુમન : સભા, મિજલસ

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1961