jawani phuloni - Ghazals | RekhtaGujarati

જવાની ફૂલોની

jawani phuloni

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
જવાની ફૂલોની
શૂન્ય પાલનપુરી

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની,

કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે,

ફૂલો તો બિચારાં શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.

અધિકાર હશે કૈં કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,

ચિરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર?

કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની?

ઝૂરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં?

વ્યાકુળ છે કોના દર્શનની રડતી જવાની ફૂલોની?

બે પળ જીવનની રંગત છે, બે પળ ચમનની શોભા છે,

સંભળાય છે નિશદિન કળીઓને બોધ કહાની ફૂલોની.

તું ‘શૂન્ય’ કવિને શું જાણે? કેવો રૂપનો પાગલ છે!

રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 629)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007