gajhlo lakhati gai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગઝલો લખાતી ગઈ

gajhlo lakhati gai

મસ્ત 'હબીબ' સરોદી મસ્ત 'હબીબ' સરોદી
ગઝલો લખાતી ગઈ
મસ્ત 'હબીબ' સરોદી

કોઈના આગમનની જ્યારથી ઘડીઓ ગણાતી થઈ,

ઉઘાડી આંખથી એમ બધી રાતો કપાતી થઈ.

છૂપી વાતો હતી મહેફિલની તે ચૌટે ગવાતી થઈ,

કોઈ નહિ, પણ સુરાની વાસ ખુદ વિશ્વાસઘાતી થઈ.

ચમન કોનું? ચમનમાં કોની આજ્ઞા પમાતી થઈ?

કળીથી રહી શકાયું ના તો મનમાં મુશ્કરાતી થઈ.

મને જોઈ નજર રીતથી એની લજાતી થઈ,

હતી અફવા સમી જે વાત તે સાચી મનાતી થઈ.

તબિયત જ્યારથી તારા પ્રણયનાં ગીત ગાતી થઈ,

ભુલાતી ના હતી તેવી બધી વાતો ભુલાતી થઈ.

અમોને જે ખબર રહેબર થવાની સૌ કુનેહોની,

અહીં એવી અમારા પર તકેદારી રખાતી થઈ.

અમારા મતનું પણ ખંડન કર્યું એવી દલીલોથી -

હતી જે વાત સાચી આખરે ખોટી મનાતી થઈ.

ક્રમશઃ હળવો થયો આઘાત પણ અંતે જુદાઈનો,

તમારી હાજરી જ્યારે ગઝલમાં મુજ જણાતી થઈ.

અભિલાષા હતી મનમાં કોઈથી કૈંક કહેવાની,

મથ્યો કહેવા 'હબીબ' હું એટલે ગઝલો લખાતી થઈ.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4