melaan vastro - Ghazals | RekhtaGujarati

મેલાં વસ્ત્રો

melaan vastro

ગની દહીંવાલા ગની દહીંવાલા
મેલાં વસ્ત્રો
ગની દહીંવાલા

પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,

લઈ લઈશ નીરવતા હું એની, મારી કવિતા ગાઈ જશે,

જો જો, વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,

નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે.

જીવતાં જીવતાં મરવું પડશે, મરતાં મરતાં જીવાઈ જશે,

આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે.

પાંપણ! જો નહીં રોકો આંસુ, તું પોતે પણ ભૂંસાઈ જશે,

અસ્તિત્વ રહે ના કાંઠાનું જ્યારે સરિતા સુકાઈ જશે.

જીવનમાં હજારો સૂરજ મેં જોયા ઊગીને આથમતા,

પ્રત્યેક ઉષાને પૂછ્યું છે, શું આજ દિવસ બદલાઈ જશે?

જીવન સાથે રમનારા! એક દી તારે રડવું પડશે,

નાદાન! રમકડું તારું રમતાં રમતાં ખોવાઈ જશે.

તું છે ને અડગતા છે તારી હું છું ને પ્રયાસો છે મારા,

કાં આંખ ઉઘાડી દઉં તારી, કાં પાંપણ મુજ બીડાઈ જશે.

આંખ! અમીવૃષ્ટિ કાજે તે આંખની આશા છોડી દે,

ચાતક! ઠગારાં વાદળ છે, વરસ્યા વિણ જે વિખરાઈ જશે.

ભટકું છું 'ગની', દિલને લઈને કે કોઈ રીતે શાંત રહે,

ચમકીને ઊઠેલું બાળક છે, છેડાઈ જશે, ચીઢાઈ જશે.

સ્રોત

  • પુસ્તક : હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009