amawasya - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમાવાસ્યા

amawasya

વિશ્વરથ વિશ્વરથ
અમાવાસ્યા
વિશ્વરથ

રાત આજની કાળી, દર્દ ને વ્યથાવાળી, તે છતાં રૂપાળી છે;

વ્યોમના વિહંગે શું તેજમાં ઝબોળીને બેઉ પાંખ ઢાળી છે!

લાખ-લાખ મોતીડાં વાળમાં પરોવીને પીઠ ફેરવી બેઠાં;

કૈંક તો કહો રજની, કેટકેટલી હૈયે વેદના ઉખાળી છે?

નીર ક્ષીરસાગરનાં શીશ કેમ પટકો છો જોરથી કિનારા પર?

ચંદ્રના વિરહ કેરી પ્રેમ-ઘેલછાને શું આભમાં ઉછાળી છે?

મંદમંદ મલયાનિલ, ઝૂમતી લતાઓને ચૂમતો ચપળતાથી;

જૂઈ, પારિજાતક ને મુગ્ધ રાતરાણીની મહેક-મહેક ડાળી છે.

ક્યાંક-ક્યાંક ભેળાં થૈ, મંડળી જમાવીને, ગીત ગાય તમરાંઓ;

આગિયા કહે છે કે, રૂપના પ્રદર્શનની આજ રાતપાળી છે!

પોયણી સરોવરમાં, અર્ધઆંખડી ખોલી, સ્વપ્નમાં હસી લેતી;

ક્લાન્ત, શાંત ધરતીએ મૌનના બિછાનામાં સહેજ આંખ ઢાળી છે?

હૈ નિશા અમાવાસ્યા! હે રહસ્યમય રાત્રિ! તેં કરાલતાને પણ

મૌનની મહત્તાથી, સૌમ્ય આત્મ-ઓજસથી કેટલી ઉજાળી છે!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4