angar jewun - Ghazals | RekhtaGujarati

મળી જાય તો પૂછી લઉં કે દિલમાં

મને શું બળે છે અંગાર જેવું;

નથી નીંદ રાતે, નથી ચૈન દા'ડે,

કહે છે બધા થઈ ગયું પ્યાર જેવું.

અહીં આંસુઓ છે, અહીં છે ખુશાલી,

વિરહ છે, મિલન છે, અહીં જિંદગી છે;

નથી આવતો જા, પ્રભુ, તારા સ્વર્ગે,

નહીં હોય ત્યાં કંઈ સંસાર જેવું.

તમે જિંદગીને બચાવી લીધી છે,

અમે જિંદગીને લૂંટાવી દીધી છે;

તમે પૂન્ય કીધું અનાચાર જેવું,

અમે પાપ કીધું સદાચાર જેવું.

જવાની તો શું, જિંદગીભર અમારે,

ખુશીના દિવસ છે, મજાની છે રાતો;

જીવન છે અમારું દીવાનાના જેવું,

મરણ છે અમારું સમજદાર જેવું.

અહોભાગ્ય તારું, ગઝલ-ગીત દ્વારા,

છવાઈ ગયો છે બધે પ્યાર મારો;

હવે રૂપ તારું વિરહનીય રાતે,

નહીં રે ભટકતું નિરાધાર જેવું.

નથી આફતો પૂર્ણ કે હું જીવી જઉં,

ખુશાલી નથી પૂર્ણ કે હું મરી જઉં;

સીમાડા હજી મોતના છે અગોચર,

નહીંતર ઊજવતે હું તહેવાર જેવું.

અનાથોનાં જેવાં ‘અચલ' કૈંક દુઃખો,

વસી મારા દિલમાં ને આરામ લે છે;

અને જાય ક્યાં નથી જેને હોતું,

પ્રભુના જગતમાંય ઘરબાર જેવું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4