pinjar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું જે ક્ષણે પીછું મટી પંખી થયો પિંજર બન્યો

આકાશને અડવા ગયો તો ઘર તણો ઉંબર બન્યો

સાદી સરળ વાતનો રસ્તો મળ્યો ના ક્યાંય પણ

ભૂલો પડી જંગલ થયો, થીજી ગયો ડુંગર બન્યો

મારા ચરણ મારાં હરણ છોડી ગયા જ્યાં જ્યાં મને

હે મત્સ્યવેધી આંખ તું બતલાવ ક્યાં અવસર બન્યો

પાગલ નદી આવી ચડી ને ચાંદની ભરપૂર થઈ

હું રેતરણનો મૃત પવન, બસ ત્યારથી સાગર બન્યો

ખુશ્બૂ બધી વહેંચી અને ગજવાં ભરી ચાલ્યા ગયા

હું પૂછતાં ભૂલી ગયો ક્યાં ફૂલનું અત્તર બન્યો

ધુમ્મસ લઈ રડતા હતા જે સાંજવેળાએ મને

સર્વને ખુશ રાખવા હું એક પળ ઈશ્વર બન્યો!

સ્રોત

  • પુસ્તક : અગ્નિપુંજ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સર્જક : મહેન્દ્ર જોશી
  • પ્રકાશક : વ્યંજના (સાહિત્યિક અભિગમની સંસ્થા)
  • વર્ષ : 2000