piDa - Ghazals | RekhtaGujarati

તને ક્યારેય સમજાશે નહીં મારી સખત પીડા;

જનમતાંવેંત મળતી હોય છે આ વર્ણગત પીડા.

અગર જો હોત એ બે-ચાર તો સ્વીકાર પણ કરતો,

અહીં તો ઉમ્રભર મળતી રહી વખતોવખત પીડા.

કદી અશ્રુ બની વ્હેતી, કદી લોહી બની વ્હેતી,

રમે મરજી મુજબ મારા જીવનમાં હૈં રમત પીડા.

સદીઓની આ પીડાનો હવે વિસ્તાર છે એવો,

હું લખવા બેસું છું તો માત્ર લખવાની સતત ‘પીડા’.

મને આ શબ્દનો આધાર જો ‘બેદિલ’ મળ્યો ના હોત,

કઈ રીતે હું મારા પૂર્વજોની આ લખત પીડા.

સ્રોત

  • પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012