ઊગીને આથમી જાવું ને ઊભરાઈ શમી જાવું
uugiine aathami jaavun ne uubhraii shamii javun

ઊગીને આથમી જાવું ને ઊભરાઈ શમી જાવું
uugiine aathami jaavun ne uubhraii shamii javun
હિમલ પંડ્યા
Himal Pandya

ઊગીને આથમી જાવું ને ઊભરાઈ શમી જાવું,
રમકડું એના હાથોનું છીએ, એથી રમી જાવું.
બને ક્યારેક અણગમતું કશું તો સમસમી જાવું,
પછી સ્વીકારવું ખુલ્લા દિલે, સઘળું ખમી જાવું.
ડૂમો થઈને ઘણું સચવાઈ જાતું હોય છે તોયે,
રહે છે ફાયદામાં સ્હેજ આંખોનું ઝમી જાવું.
અમે અસ્તિત્વ પામ્યા આગિયાનું એટલે સમજ્યા!
મળે જો રાત અંધારી તો થોડું ટમટમી જાવું.
જીવન જીવવાની ફિલસૂફી બહુ સહેલી ને સાદી છે,
કદી પળવાર માટે કોઈને થોડા ગમી જાવું.
મને શીખવા મળ્યું છે એક ઊંચા વૃક્ષ પાસેથી,
કે ઝંઝાવાતમાં ટકવાનો રસ્તો છે, નમી જાવું.



સ્રોત
- પુસ્તક : ...ત્યારે જિવાય છે (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : હિમલ પંડ્યા
- પ્રકાશક : કવિતાકક્ષ, ભાવનગર
- વર્ષ : 2022