bas durdshano etlo abhar hoy chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે

bas durdshano etlo abhar hoy chhe

મરીઝ મરીઝ
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
મરીઝ

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,

જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું!

તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,

દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે!

દાવો અલગ છે પ્રેમનો, દુનિયાની રીતથી,

ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,

દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,

આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નહીં શકે,

તારા ભણી જે મમતા લગાતાર હોય છે.

જો ખબર પડે તો મજા કેટલી પડે,

ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

નાદાન એને કોઈના પગરવ માનજે,

કે કાનમાં અમસ્તાય ભણકાર હોય છે.

દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ,

રાહત છે કે સમજ લગાતાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ'

ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

જોયા છે એવાય સંતોને મેં રસ્તા ઉપર ‘મરીઝ’

કદમોમાં જેના સેંકડો ઘરબાર હોય છે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009