phakt e karne dilman wyatha aakhi unmar lagi - Ghazals | RekhtaGujarati

ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી

phakt e karne dilman wyatha aakhi unmar lagi

મરીઝ મરીઝ
ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી
મરીઝ

ફક્ત કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી,

કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી,

તને પણ પાછા ફરતાં એક મુદ્દત નામાબર લાગી.

હતો પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો,

અને શંકા કદી લાગી તો તારી ઉપર લાગી.

ઘણાં વરસો પછી આવ્યા છો એનો પુરાવો છે.

જે મેંહદી હાથ ને પગ પર હતી તે કેશ પર લાગી.

મેં પરવા કરી તેનીય એણે નોંધ ના લીધી,

મને તો આખી દુનિયા મારા જેવી બેકદર લાગી.

ઝરણ સુકાઈને રીતથી મૃગજળ બની જાએ?

મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી.

હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો,

કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.

બધા સુખદ અને દુઃખદ પ્રસંગોને પચાવ્યા છે,

પછી આખી દુનિયા મારું દિલ લાગી, જીગર લાગી.

અચલ ઇનકાર છે એનો ‘મરીઝ’ એમાં નવું શું છે?

મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009