rakhawat - Ghazals | RekhtaGujarati

કહે, કેવો બંદોબસ્ત રાખ્યો છે?

સતત હથિયાર પર તેં હસ્ત રાખ્યો છે!

અચલ ઓજસ્વી એવા સૂર્યની સાખે,

ઉદય સાથે, ધરા! તેં અસ્ત રાખ્યો છે!

કનડગત જિંદગીની શુંનું શું કરતે!

મરણ! આભાર, તેં આશ્વસન રાખ્ચો છે!

નવા ઘર ભાવિ ખંડિયેર નું વાસ્તુ?

અભિગમ ઠીક તંદુરસ્ત રાખ્યો છે!

બચાવી વલ્લરિએ લાજ ઉપવનની;

પવનને લ્હેરખીમાં વ્યસ્ત રાખ્યો છે!

હકીકતના સિતમની ફળશ્રુતિ રૂપે,

મને મેં ‘ખ્વાબ’માં અભ્યસ્ત રાખ્યો છે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2002 (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : રમણીક સોમેશ્વર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004