hun malish ja! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું મળીશ જ!

hun malish ja!

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
હું મળીશ જ!
રાજેન્દ્ર શુક્લ

પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ,

સમયના કોઈ પણ થરે હું મળીશ જ!

ખૂલે, તૂટે કટાયેલું તાળું,

કોઈ હિજરતીનાં ઘરે હું મળીશ જ!

હતો હું સુદર્શન સરોવર છલોછલ,

હવે કુંડ દામોદરે હું મળીશ જ!

નગારે પડે દાંડી પ્હેલી કે ચૉરે-

સમી સાંજની ઝાલરે હું મળીશ જ!

બપોરે ઉપરકોટની સૂની રાંગે,

અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ!

તળેટી સુધી કોઈ વ્હેલી સવારે,

જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ!

કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો,

સૂસવતા પવનના સ્તરે હું મળીશ જ!

શિખર પર ચટકતી હશે ચાખડી ને

ધરીને કમંડલ કરે હું મળીશ જ!

છતાં યાદ આવું તો કેદાર ગાજો!

તરત આવીને ભીતરે હું મળીશ જ!

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ,

કોઈ સોરઠે, દોહરે, હું મળીશ જ!

હશે, કોઈ જણ તો ઉકેલીય શકશે,

શિલાલેખના અક્ષરે હું મળીશ જ!

મને ગોતવામાં ખોવાયો છું આ,

પત્યે પરકમા આખરે હું મળીશ જ!

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર-

ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ!

સ્રોત

  • પુસ્તક : ગઝલ સંહિતા (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • પ્રકાશક : સહૃદય પ્રકાશન
  • વર્ષ : 2005