પત્ર ડેલીએ પડેલાં ના મળ્યાં
patra deli a padela na malya
સાગર નવસારવી
Sagar Navsarvi
પત્ર ડેલીએ પડેલાં ના મળ્યાં,
આંગણે આવી ઊભેલાં ના મળ્યાં.
ઈંતિજારીની અવધ વીતી ગઈ,
શબ્દ સાજનના વદેલા ના મળ્યા.
સામસામે આમ તો બંને હતા,
અક્ષરો આંખે ઊગેલા ના મળ્યા.
દૂરથી ટહુકાઓ પડઘાતા રહ્યા,
રંગનાં પીંછાં ખરેલાં ના મળ્યાં.
કાળનાં મોજાં કિનારે લઈ ગયાં.
મોરલા શ્વાસે વસેલા ના મળ્યા.
અશ્વને મિથ્યા હવા ભરખી ગઈ,
વાદળો કિરણે મઢેલા ના મળ્યાં.
ક્યાંક લટકે તોરણો લીલાં હજી,
અવસરો ‘સાગર’ ગયેલાં ના મળ્યા.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1996 (પૃષ્ઠ ક્રમાંક 123)
- સંપાદક : નરોત્તમ પલાણ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998