salagti hawao - Ghazals | RekhtaGujarati

સળગતી હવાઓ

salagti hawao

સરુપ ધ્રુવ સરુપ ધ્રુવ
સળગતી હવાઓ
સરુપ ધ્રુવ

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો!

પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો!

હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું,

મળ્યો વારસો દાંત ને ન્હોરનો, બસ! અસરગ્રસ્ત ભાષા ભસું છું હું, મિત્રો!

અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું,

તિરાડોની વચ્ચેનું અંતર નિરંતર, તસુ બે તસુ બસ, ખસું છું હું, મિત્રો!

સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, હથેલીમાં કરવતનું કૌવત કસું છું;

પછી કાળી રાતે, અજગર બનીને, મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો!

નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો!

પણે દોર ખેંચાય ખેંચાઉં છું હું, અધવચ નગરમાં વસું છું હું, મિત્રો!

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો!

પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 330)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004