paththar nathi kaheto - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પથ્થર નથી કહેતો

paththar nathi kaheto

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
પથ્થર નથી કહેતો
વેણીભાઈ પુરોહિત

તને હું ક્રૂર પણ કહેતો નથી, કાયર નથી કહેતો;

મને ખામોશીઓ ભોંકાય છે, ખંજર નથી કહેતો.

મિલનના રંગ ઘૂંટું છું, વિરહરસના કસુંબામાં;

કરું છું કેફ પણ કેફને બખ્તર નથી કહેતો.

સમંદરના તરંગોનું શમન થાતું સમંદરમાં,

બન્યું મઝધારમાં તે હું કિનારા પર નથી કહેતો.

કહ્યું કો શિલ્પકારે અણઘડેલા સંગેમરમરને,

તને મૂર્તિ નથી કહેતો અને પથ્થર નથી કહેતો.

મિલનની બંસરી છેડાય ને હૈયાં અજંપામાં

ઘડીભર થરથરે તેને કદી હું ડર નથી કહેતો.

જીવનમાં આપણો તો સદા તરસ્યો સંગમ છે,

હૃદયના નેક પ્રેમીને કદી પામર નથી કહેતો.

રહું છું પ્રેમભક્તિમાં ભીંજાતો અને ગાતો,

વસું છું જે જિગરમાં તેને હું પિંજર નથી કહેતો.

ખરાબામાં ચડે છે નાવ મોજાંના ભરોસા પર,

અજાણ્યા કોઈ કાંઠાને કદી બંદર નથી કહેતો.

કલેજામાં પડી છે રાખ ઊર્મિની ને આશાની,

પ્રણયની ભસ્મને હું કોઈ દિન કસ્તર નથી કહેતો.

તને તારી સમજદારી મુબારક હો મહોબ્બતમાં,

મને આશક કહું છું, પણ હું કીમિયાગર નથી કહેતો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4