કાચના મ્હેલોમાં કાગારોળ છે
kaachnaa mhelomaan kaagaarol chhe
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi

કાચના મ્હેલોમાં કાગારોળ છે,
પથ્થરોની આંખ પણ તરબોળ છે.
કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!
રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,
મારું જીવન જાણે કે ચકડોળ છે.
મારા દિલમાં જીવતી ચિન્ગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.
કોણ એનું રૂપ બદલે શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે!
ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ના ક્હેશો કે પૃથ્વી ગોળ છે.



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 37)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000