gharne sankal maro - Ghazals | RekhtaGujarati

ઘરને સાંકળ મારો

gharne sankal maro

જયેન્દ્ર શેખડીવાળા જયેન્દ્ર શેખડીવાળા
ઘરને સાંકળ મારો
જયેન્દ્ર શેખડીવાળા

કવિરાજ છો તમે નિહત્થા, પીડાનું લશ્કર આવે છે, ઘરને સાંકળ મારો

નીંદરની બારી ખુલ્લી છે, સપનાંનું લશ્કર આવે છે, ઘરને સાંકળ મારો

શિયાવિયા જીવતરનો કાગળ કોઈ અજાણી ધૂળને મારગ પાન સરીખો ઊડે

અટકળ, આરણકારણ સાબિત, પગલાંનું લશ્કર આવે છે, ઘરને સાંકળ મારો

રાત ઢળેને પતંગિયા શી આંખો શોધે દીવાનું અજવાળું ઝાંખું ઝાંખુ

ઓશિકે ભીંજાતા ઘરમાં દૃશ્યોનું લશ્કર આવે છે, ઘરને સાંકળ મારો

પથ્થરમાંથી પાણી ઝરતું જોઈ ગયાની ઘટના છે કરપીણ, લોહીમાં તરતી

સુકકાતા ઝરણાંની ઓથે આંસુનું લશ્કર આવે છે, ઘરને સાંકળ મારો

ઘટાટોપ પૂનમને પ્હેરી અગાસીઓના એકલનભમાં વાદળના પડછાચા સૂસવે

કોઈ સૂસવતી ક્ષણ આવે છે, એકજણ-લશ્કર આવે છે, ઘરને સાંકળ મારો

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1983