ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર
gulmhor shodhnari udasine shi khabar
શ્યામ સાધુ
Shyam Sadhu

ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,
હું પાનખરના નામથી થરથર્યા કરું.
આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,
પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું.
બહુ બહુ તો એક પળને લીલીછમ બનાવશે,
હું ક્યાં સુધી પતંગિયાને કરગર્યા કરું?
બોલો હે અંધકાર! અજંપાની રાતના,
કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું?
મારા વિષાદનાં ગુલાબો મ્હેકતાં રહો,
હું તો આ બારમાસી ફૂલે ઝરમર્યા કરું.



સ્રોત
- પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : સંજુ વાળા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2019
- આવૃત્તિ : (બીજી આવૃત્તિ)