pariprashn - Ghazals | RekhtaGujarati

કીડી સમી ક્ષણોની આવજાવ શું છે?

મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?

લગની, લગાવ, લહેરો હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,

શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકુ પણ પાંપણ ઊંચકાતી,

ઘેન જેવું શું છે, કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,

એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,

હમણાં હથેળી માંહે ધૂપછાંવ શું છે?

ફંગોળી જોઉં શબ્દો ને મૌન ને ફગાવું

નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્વાસને મળે છે,

સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989