ek pan paglun sagaD mukya wina, awgat thaine - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને

ek pan paglun sagaD mukya wina, awgat thaine

હિતેન આનંદપરા હિતેન આનંદપરા
એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને
હિતેન આનંદપરા

એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,

આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને?

ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,

નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.

ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,

હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે,

કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.

ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,

એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.

પામવા ઈશ્વર તને, ઇચ્છા ઘણી; પણ પ્રશ્ન છે,

દુઃખ જગતનાં, મારે સહેવાનાં શું કરવા ભક્ત થઈને?

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006