dariyo nikalyo - Ghazals | RekhtaGujarati

દરિયો નીકળ્યો

dariyo nikalyo

ધૂની માંડલિયા ધૂની માંડલિયા
દરિયો નીકળ્યો
ધૂની માંડલિયા

માછલી સાથે દરિયો નીકળ્યો,

લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

હું મારા ભારથી થાકી ગયો,

હું હતો, ‘હું’ ખોટો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી.

મુઠ્ઠી ખોલી ત્યાં તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યું ના એટલે

શોધવા પંખીને માળો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,

એક સાગર એય ખારો નીકળ્યો.

આગિયાઓ ઊજળા છે કે પછી–

વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો?

થોભવાનો થાક વસમો હોય છે,

માર્ગ સમજ્યો ઉતારો નીકળ્યો.

સ્રોત

  • પુસ્તક : માછલી સાથે જ દરિયો નીકળ્યો (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ધૂની માંડલિયા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1982