પાનખરોમાં પાન ખરે ને
paankharomaan paan khare ne
મુકેશ જોશી
Mukesh Joshi

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારેબાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ કરલું બાકી હો ને અંતે એનુ ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે
સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગે આવે.



સ્રોત
- પુસ્તક : કાગળને પ્રથમ તિલક (પૃષ્ઠ ક્રમાંક 85)
- સર્જક : મુકેશ જોશી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 1999