tyarni wat - Ghazals | RekhtaGujarati

ત્યારની વાત

tyarni wat

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
ત્યારની વાત
લલિત ત્રિવેદી

એક હુસ્નેખયાલ

પ્હેલવ્હેલું એક પંખીડું ઊડેલું ત્યારની વાત છે...

આભલું આખુંય રોમાંચિત થયેલું ત્યારની વાત છે...

સૃષ્ટિ પર પ્હેલી વખત એક થવાં મળતાં'તાં ફૂલો ને પવન

પાંખડી પર કિરણનું પગલું પડેલું ત્યારની વાત છે...

પાણીને ખળખળ મળી... કવિતા મળી મરમરની હરએક વૃક્ષને

પ્હેલવ્હેલું ગીત જંગલમાં વહેલું ત્યારની વાત છે...

ગીત સૂણી કોઈ બોલ્યું મ્હેક છે ને કોઈ બોલ્યું ગ્હેક છે

ઋતુઓએ માટીનું ભાષાંતર કરેલું ત્યારની વાત છે...

શું પછી ટશરો સખીની આંખમાં ફૂટી અને ટહૂકા થયા!!

એક જણ પલળ્યો અને ઝરણું ફૂટેલું ત્યારની વાત છે...

ફૂલ... પંખી... પ્રેમીઓ... એકાંતમાં ઘરથી અલગ મળતાં હતાં...

તે સ્થળે ‘ઉદ્યાન' નામે પાંગરેલું ત્યારની વાત છે...

તે સમે વરસાદમાં આવી કસક ને મોરને રંગો ફૂટ્યા.…

મેં તને નિરખી ને અજવાળું થયેલું ત્યારની વાત છે...

તું પછી આઘો જઈ કોઈ સ્થળે રહેવા ગયો તે યાદ કર

આપણું એક હતું તે ઘર પડેલું ત્યારની વાત છે...

(૧૩-૭-’૧ર, ૧૪-૭-'૧ર, ૧૭-૭-'૧ર)

સ્રોત

  • પુસ્તક : બેઠો છું તણખલા પર (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : લલિત ત્રીવેદી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2018