pamun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પામું છું

pamun chhun

હેમંત દેસાઈ હેમંત દેસાઈ
પામું છું
હેમંત દેસાઈ

સરસ બાજી મળી હોવા છતાં હું હાર પામું છું!

અને હાર્યા પછીથી રમતનો સાર પામું છું!

ખરેખર માધુરી સ્પર્શી ગઈ છે કૈં પરાજયની,

વિજય કરતાં વળી એમાં અધિક ઉપહાર પામું છું!

અહીં સૂર્યની નીચે નવું કૈં યે નથી બનતું,

છતાં સૂર્યની જ્યમ નિત નવો અવતાર પામું છું!

જગતના ચાકડા પર ઘૂમી ઘૂમી કો' નિગૂઢ હાથે

ઘડાતો જાઉં છું ત્યમ હું નવો આકાર પામું છું!

રહ્યો માનવ, અધિક છે પ્યારી માનવતા મને એવી,

દઉં છું ચાંદની જગને, ભલે અંગાર પામું છું!

ગમે તે માની લે દુનિયા, નથી પ્રેમ હું કરતો,

કોઇને મારું કહેવાનો ફક્ત અધિકાર પામું છું!

તમારું રૂપ તો બ્હાનું બન્યું છે ફક્ત મ્હોબતનું,

ખરું સદભાગ્ય છે કે દિલ હું ખુશ્બોદાર પામું છું!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 258)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4