sanj - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંજ મારા લોહીના તળિયે ઢળી ગઈ એકદમ

એક પડછાયાની પાછી શગ બળી ગઈ એકદમ

કિનારો હવા મોજાં અને પડછાટ

સાંજ આજે પણ નદી થઈ ને વહી ગઈ એકદમ

સૂર્ય પણ ધીમે ધીમે નાનો અને નાનો થયો

સાંજ જાંબુડી નીરવતા ચીતરી ગઈ એકદમ

તું હવાના સ્વાંગમાં ધીમુ ધીમુ કૈ ગણગણે

ચોર પગલે સાંજ આવી સાંભળી ગઈ એકદમ

આંખમાં મારી કોઈ નક્ષત્રનો ચળકાટ છે

સાંજ પૃથ્વીનો લીસોટો પાથરી ગઈ એકદમ

આવતી કાલે નગર છાપું બની ફાટી જશે

સાંજ મારા કાનમાં એવું કહી ગઈ એકદમ

જન્મ પૃથ્વી, મધ્ય પૃથ્વી, અંત પૃથ્વી, પૃથ્વી હે

ઢળી તે સાંજ ને પૃથ્વી ઢળી ગઈ એકદમ

એક પથ્થર ને સિસિફસ કૈં નથી બીજું નવું

ક્ષણો એવું નથી કે ઓગળી ગઈ એકદમ

આજ ભીના ભીના શેઢા જેમ હું મહેકી ઊઠ્યો

શ્વાસમાં ગોરજની ગોરમટી ભળી ગઈ એકદમ

મેં કલમ ખોલી લખ્યા બે શબ્દ કેવળ સાંજના

આંગળીમાં કૈંક યાદો તરફડી ગઈ એકદમ

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લીકેશન
  • વર્ષ : 1983