બારણે ઊભા રહ્યાં
barne ubha rahya
ચિંતન પરીખ
Chintan Parikh

કેટલાં વરસે તમારે બારણે ઊભા રહ્યાં
હૂંફ ખાતર ઓલવેલા તાપણે ઊભા રહ્યાં
વ્હેણ સામે ના તર્યાં કે વ્હેણ સાથે ના વહ્યાં
ગાલ પર સરક્યા વિના બસ પાંપણે ઊભા રહ્યાં
ઢાળવાને એ જ આબેહૂબ શમણાં આંખમાં
જર્જરિત સંબંધના સંભારણે ઊભા રહ્યાં
કાચની આંખે પડળ રંગીન પ્હેરીને પછી
જિંદગીની એક અતિ નાજુક ક્ષણે ઊભા રહ્યાં
છાંયડા ભૂખ્યાં અમે તો ધોમ તડકાનાં મનુસ
વાટમાં વડની ઘટાને કારણે ઊભા રહ્યાં
શબ્દ લાવ્યા જિંદગીમાં લાખ ઝંઝાવાત પણ
જળકમળવત્ મૌનના બસ તાંતણે ઊભા રહ્યાં
ક્યાં હતો અણસાર અમને સૂર્યની તાકાતનો
તીર તરણાંનાં બનાવી રજકણે ઊભા રહ્યાં
જરકસી ઝભ્ભા અને સુરવાલના શોખીન અમે
આંખ મીંચી સાવ કોરે ખાંપણે ઊભા રહ્યાં
શૂળ જેવી વેદના જે ભીંત ખોતરતી હતી
ત્યાં જ પડછાયા બનીને આપણે ઊભા રહ્યાં



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ