tamaran kamalanayanman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમારાં કમલનયનમાં

tamaran kamalanayanman

રુસ્વા મઝલૂમી રુસ્વા મઝલૂમી
તમારાં કમલનયનમાં
રુસ્વા મઝલૂમી

કળી કહો તો નથી કળીમાં, સુમન કહો તો નથી સુમનમાં,

વસી રહ્યો છું ચમન મહીં પણ સમાસ મારો નથી ચમનમાં.

અરણ્યમાં જઈ વસે કે હવે વસે કોઈ ચમનમાં,

વાત છેડો હવે જીવનની મને નથી રસ જરી જીવનમાં.

અમસ્તાં અશ્રુ કદાપિ હોતાં નથી તમારાં કમલનયનમાં,

તમોને મારા કસમ, કહો શો વિચાર આવી ગયો’તો મનમાં?

સિતમ ગુજારો ખુશીથી, કિંતુ સિતમની રીતે સિતમ ગુજારો,

દયાના દંભો શું કામ નાહક કરી રહ્યા છો હવે દમનમાં?

કંઈક એવી રીતે તમારી અલકલટોમાં હૃદય ભમે છે,

રમે છે જાણે અબુધ બાળક સરપની સાથે સરપના વનમાં.

જીવન લૂંટાવી દુઃખી થા, દિલ! હશે, થયું ના થયું થશે ના,

જીવન ભૂલોની પરંપરા છે, થયા કરે છે ભૂલો જીવનમાં.

ભરીસભામાં પુનર્મિલનનું વચન દીધા વિણ રહી શક્યાં ના,

ગયાં પરંતુ જતાં-જતાં નયન પરોવી ગયાં નયનમાં.

પડ્યો છું ત્યારે પ્રકાશ પેઠે પ્રકાશ અર્પી પડ્યો છું 'રૂસ્વા'

પડ્યો છું કિંતુયે પોત મારું નથી ગુમાવ્યું કદી પતનમાં.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4