કોઈ કહે ગમે તે અલેખે નથી જતું
Koi Kahe Game Te Alekhe Nathi Jatu
દીપક વાલેરા
Dipak Valera

કોઈ કહે ગમે તે અલેખે નથી જતું,
એકેય કર્મ કોઈનું એળે નથી જતું.
એની જુબાની સત્યથી ખૂબ જ અલગ હતી,
બોલાએલું ગળેથી કલેજે નથી જતું.
ખાબોચિયું નયનનું છે નોખા પ્રકારનું,
ખાલી નથી થતું કે ઉલેચે નથી જતું.
કોઈ સહન કર્યા જ કરે તોય કેટલું,
માથે દુખોનું ઝાડ ઉખેડે નથી જતું.
છે કાળનું વચન, ન કદીએ ટળી શકે,
ફરમાન મોતનું છે ધકેલે નથી જતું.
આંબો ઉતાવળે તો કદી પાકતો નથી,
ધીરજ વિનાનું કાર્ય સુપેરે નથી જતું.
ફેલાઈ જાય છે કદી અસ્તિત્વની સમું,
હોવું બલા સમાન સમેટે નથી જતું.



સ્રોત
- પુસ્તક : કવિલોક : નવે. - ડિસે. 2024 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : પ્રફુલ્લ રાવલ
- પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ
- વર્ષ : 2024