karan mane game chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કારણ મને ગમે છે

karan mane game chhe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કારણ મને ગમે છે
અમૃત ઘાયલ

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,

કારણ નહીં આપું, કારણ, મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,

ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,

કે ઝેર પણ ગમે છે મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,

રણ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.

સુંદર બની ગયું છે કંઈ ઓર દિલ મટીને,

તૂટી ગયું છે તોયે દર્પણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરીભરીને,

છે ખૂબ મ્હોબતીલી માલણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ લૂછો નહીં ભલા થઈ,

બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લજ્જાના બંધ તોડી જુલ્ફો દિયો વિખેરી,

જીવન બને છો વેરણછેરણ, મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,

સોગંદ જિંદગીના, વળગણ મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,

પણ મને ગમે છે, પણ મને ગમે છે.

હસવું અચૂક હસવું, દુઃખમાંય મુક્ત હસવું,

દીવાનગી તણું ડહાપણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કંઈ વાર જિંદગીમાં,

ખોળિયાની જેમ ખાંપણ મને ગમે છે.

‘ઘાયલ' મને મુબારક ઊર્મિકાવ્ય મારાં,

મેં રોઈને ભર્યાં છે રણ મને ગમે છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4