રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
આંખો
aankho
શાદ જામનગરી
Shad Jamnagari
પ્રણયના ઘેનમાં, છે આજ તો ઘેરાયેલી આંખો,
નશામાં અર્ધ ખુલ્લી, અર્ધ છે બિડાયેલી આંખો.
કબરની રજ હવામાં ઉડશે લઈ પ્રેમની સૌરભ,
ક્રિયા હો શ્વાસની, છો બંધ, હો મીંચાયેલી આંખો.
પ્રતીક્ષામાં કર્યું તું જાગરણ મેં કોઈના માટે,
કયામતમાં ગવાહી દેશે મુજ રંગાયલી આંખો.
હતી જીવનની સંધ્યા ને ખુદાયા આગમન તેનું,
હૃદય પુલકિત, નજર વ્યાકુળ અને ભીંજાયેલી આંખો.
કદાપી તે ફરી આવી શકે સંભવ નથી મિત્રો,
છતાં તેની પ્રતીક્ષામાં જ છે અટવાયેલી આંખો.
સ્રોત
- પુસ્તક : રેશમી પાલવ (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : શાદ જામનગરી
- પ્રકાશક : આરાધના પ્રકાશન
- વર્ષ : 1972