nayanne bandh rakhine mein jyare tamne joyan chhe - Ghazals | RekhtaGujarati

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે

nayanne bandh rakhine mein jyare tamne joyan chhe

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે
બરકત વીરાણી 'બેફામ'

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે,

તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે.

મને નહિ પણ હતી તમને બેચેની દર્શનની,

પડ્યાં છો એકલાં જ્યારે મેં ત્યારે તમને જોયાં છે.

ઋતુ એક હતી પણ રંગ ન્હોતો આપણો એક જ,

મને સહરાએ જોયો છે, બહારે તમને જોયાં છે.

પરંતુ અર્થ એનો નથી કે રાત વીતી ગઈ,

નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે.

તમે હો કે હો, પડતો નથી કંઈ ફેર દૃષ્ટિમાં,

ઉજાસે જોયાં એમ અંધકારે તમને જોયાં છે.

હવે મારા જીવનમાં કદી ચમકી નહીં શકશે,

કે મારા મુકદ્દરના સિતારે તમને જોયાં છે.

ગણી તમને મંઝિલ એટલા માટે તો ભટકું છું,

હું થાક્યો છું તો એકેએક ઉતારે તમને જોયાં છે.

નિવારણ છો કે કારણ, ના પડી એની ખબર કંઈયે,

ખબર છે કે મનના મૂંઝારે તમને જોયાં છે.

સુરા પીધા પછીની છે મારા ભાનની કક્ષા,

મેં મારા કેફમાં મારા ખુમારે તમને જોયાં છે.

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,

ખુલી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયાં છે.

બીજા જેમ તમે પણ એને પાગલતા ગણી લેશો,

નથી હારે છતાં મેં મારી હારે તમને જોયાં છે.

નથી પણ હવે કંઈ જાણ ક્યારે તમને જોવાનો?

નથી પણ હવે કંઈ યાદ ક્યારે તમને જોયાં છે?

નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,

મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

નથી મરતી મહોબ્બત એવું કંઈ કહેતો હતો 'બેફામ’

સાચું છે અમે એના મઝારે તમને જોયાં છે.

સ્રોત

  • પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2022