me hajaaro haa kahii chhe ek taarii haa nahiin - Ghazals | RekhtaGujarati

મેં હજારો હા કહી છે એક તારી હા નહીં

me hajaaro haa kahii chhe ek taarii haa nahiin

શયદા શયદા
મેં હજારો હા કહી છે એક તારી હા નહીં
શયદા

મેં હજારો હા કહી છે એક તારી હા નહીં;

હા નહીં તો કંઈ નહીં તો કહે કે ના નહીં?

શું કરું? થાકી ગયો, સમજાવતાં સમજે નહીં;

મેં કહ્યું લાખો વખત દિલને કે ત્યાં તું જા નહીં!

રહ્યું દિલ, પ્રાણ છે આ, ચ્હાય તે લઈ લે ભલે;

હઠ નકામી શું કરે છે, નહીં ને નહીં!

બેસ હેઠી બેસ, મારા હોઠ પર કે શ્વાસ પર;

પ્રાણ સાથે આવશે મુજ, એકલી તું જા નહીં.

એક સરખા શબ્દ બન્નેને મળ્યા છે ભાગ્યમાં;

મારે કાજે 'હા નહીં' એને કાજે 'ના' નહીં.

ખુશનસીબી જાણતે જો એમ પણ કીધું હતે-

વિશ્વ આવે તો ભલે પણ એક 'શયદા' નહીં.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો : હરજી લવજી દામાણી 'શયદા' (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022