kismatni dagabaji - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિસ્મતની દગાબાજી

kismatni dagabaji

મણિલાલ નભુભાઈ દ્વિવેદી મણિલાલ નભુભાઈ દ્વિવેદી
કિસ્મતની દગાબાજી
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

(ભૈરવી)

કહીં તું જાય છે દોરી દગાબાજી કરી, કિસ્મત!

ભરોસે તેં લઈ શાને હર્રાજી કરી, કિસ્મત? કહીં.

થવા નિજરૂપ દુનિયામાં ઊતરવાનું ઠર્યું, કિસ્મત!

કરી તુજરૂપ રંજાડી લપેટી ઘા કરે, કિસ્મત? કહીં.

ચલાવી પુષ્પમાલા પર નીચે સર્પો ભર્યા, કિસ્મત!

સનમ્દીદારમાં નાખી પલક જુદાઈની, કિસ્મત! કહીં.

લગાડી કાર્યકારણની બરાબર સાંકળો, કિસ્મત!

ભરાવ્યા ત્યાં શી રીતે તેં ઊલટના આંકડા, કિસ્મત? કહીં.

પિછાની બે અને બેને કહીને ચાર, રે કિસ્મત!

લખાવ્યા હાથથી શાને તેં બે ને એક આ, કિસ્મત? કહીં.

ગણી મારું વળી મારું ભર્યું દિલ પ્રેમથી, કિસ્મત!

તથાપિ ત્યાં ભર્યું શાને શી રીતે ઝેર તેં, કિસ્મત? કહીં.

ધરી આશાતણો પાયો ચણાવી તે ઉપર, કિસ્મત!

કહીં ક્યારે લીધો તાણી પાયો તેં, અરે કિસ્મત? કહીં.

મુકાવી ને મીઠે ખોળે ભરોસે શીશ, હે કિસ્મત!

કપાવી શી રીતે ગરદન વહે ના ખૂન પણ, કિસ્મત? કહીં.

ઉઠાવી અસ્તિથી દિલને લગાડ્યું નાસ્તિમાં કિસ્મત!

દરદદિલ રોવું ત્યાં તેં વગોવાવું ભર્યું, કિસ્મત! કહીં.

સ્રોત

  • પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002