naman jewun - Ghazals | RekhtaGujarati

નમન જેવું

naman jewun

નાઝિર દેખૈયા નાઝિર દેખૈયા
નમન જેવું
નાઝિર દેખૈયા

સુમન જેવાં તમે ને દિલ હતું મારું ચમન જેવું,

તમે ચાલ્યાં ગયાં એને કરી વેરાન વન જેવું.

નહીં તો આમ ના હસવું મને આવે રુદન જેવું,

જરૂર કંઈ થઈ ગયું છે દિલની દુનિયામાં દમન જેવું.

મને લૂંટી જનારાએ અનોખી રીતથી લૂંટ્યો,

નથી રહેવા દીધું મારી કને મારાય મન જેવું.

નહીં તો પાનખરમાં વસંતોની મજા ક્યાંથી?

ખરેખર થઈ ગયું છે બાગમાં તમ આગમન જેવું.

તમે સાચું કહી દો સ્વર્ગ તો સાથે નથી લાવ્યાં?

મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું.

નહીં તો કૃપાને પાત્ર હું નહોતો કદી, ‘નાઝિર',

અજાણ્યે થઈ ગયું લાગે છે મારાથી નમન જેવું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4