hastayan - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હસ્તાયણ

hastayan

રમેશ પારેખ રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,

અસંખ્ય ઝાંઝવાંને સ્પર્શવાથી મેલા છે.

મારા હાથમાં દમયંતીપણું શોધું છું

મેં મૃત મત્સ્ય અહીં એકઠાં કરેલાં છે.

રેશમી વસ્ત્રની માફ્ક ઢળી પડયાં નીચે

હાથને ખીંટીએ ટિંગાડવા ક્યાં સહેલા છે?

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,

હાથને ટેરવાં સાથે નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,

સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો

તો થાયઃ મારા હાથ છે કે પેલા છે?

એક તો હાથનું પોત છે સાવ તકલાદી

ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે

મારા હાથને હમણાં ગિરફ્તાર કરો

કે તેણે તોપનાં મોં જીવતાં કરેલાં છે

હાથ છે ને એના પૂર્વજોય હાથ હતા

વંશવેલા ઠેઠ મૂળથી સડેલા છે

ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર હાથ

હાથ હોવાનો અભિનય કરી રહેલા છે

હે મારા હાથ, દમયંતીવેડા ફોગટ છે

મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે

હાથ સૌથી ખતરનાક બૉમ્બ છે તોપણ

સાવ કાચની પેઠે ફૂટી ચૂકેલા છે

રમેશ, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ

ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989